Pages

રવિવાર, 5 જૂન, 2011

વચનામૃત ગઢડા પ્રથમ નું ૨૭ મું

મુકતો, સૌને જય સ્વામિનારાયણ !
સ્વામિનારાયણ ભગવાનને જેમ છે તેમ ઓળખવા માટે પ્રથમ નું ૨૭ મું વચનામૃત સમજવું ખુબ જરૂરી છે.
વચનામૃત ગઢડા પ્રથમ નું ૨૭ મું

સંવત ૧૮૭૬ ના પોષ સુદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ  દિવસ ઉગ્યા પહેલાં  શ્રી ગઢડા  મધ્યે  દાદા  ખાચરના  દરબારમાં પરમહંસની જાયગાને વિષે પધાર્યા છે  ને માથે ધોળો ફેંટો બાંધ્યો છે  તથા ધોળો ચોફાળ ઓઢ્યો છે  તથા ધોળો ખેસ પહેર્યો છે ને ઓટા ઉપર આઠમણું મુખારવિંદ રાખીને બિરાજમાન છે ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી છે.

મુકતો સ્વામિનારાયણ ભગવાનની દરેક વાતો હેતુસભર હોય છે. ઉપરોક્ત પેરેગ્રાફ વાંચતા નીચેના  પાંચ  મુદ્દા ધ્યાનમાં આવે છે:

૧.    સ્વામિનારાયણ ભગવાન પોતે પરમહંસોની જગ્યા પર ગયા છે મતલબ કે ખૂબજ મહત્વની વાત 
       કહેવી  છે.
૨.    દિવસ ઉગ્યા પહેલાં સભા ભરી છે એટલે કે પરોઢિયે સભા ભરી છે.
૩.    પોષ સુદિ બારશને દિવસે આ વચનામૃત ની વાત કરી છે મતલબ કે કડકડતી ઠંડી હોવા છતાં આ
       જરૂરી વાત માટે સભા ભરી છે.
૪.   શ્રીજી મહારાજને ધોળાં કપડાં ખૂબ પસંદ છે.
૫.   સભામાં ફક્ત પરમહંસ છે એટલે કે જો નીચેની વાત પરમહંસ માં દ્રઢ હશે તો સંતો, પાર્ષદો તથા
        હરિભક્તો માં આ વાતના પડઘા પડશે તથા તેઓનામાં આ વાતનો દ્રઢાવ થશે.

પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા જે,     પરમેશ્વરને ભજવાની તો સર્વેને ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે, માટે જેની આવી સમજણ હોય તેના હ્રદય માં  ભગવાન 
સર્વે  પ્રકારે  નિવાસ કરીને રહે છે. તેની વિગત જે એમ સમજતો હોય જે, આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધ્ધર રહ્યું છે તથા જેના વર્ષાવ્યા  મેઘ વર્ષે છે તથા જેની આજ્ઞા એ કરીને સૂર્ય, ચન્દ્ર ઉદય -અસ્તપણાને  પામે છે તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે તથા  પાળ  વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે ને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક દશ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિષે અધ્ધર જળ રાખી મૂકયું છે ને તેમાં ગાજવીજ થાય છે. એવાં અનંત આશ્ચર્ય છે તે સર્વે મુને મળ્યા એવા જે ભગવાન તેનાં કર્યાં જ થાય  છે  એમ સમજે પણ પ્રગટ પ્રમાણ જે આ ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ મને નહિ. અને પૂર્વે જે જે અનંત પ્રકાર  નાં આશ્ચર્ય થી ગયાં છે તથા હમણાં જે થાય છે તથા આગળ  થાશે  તે સર્વે મુને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે અને   વળી પોતે એમ સમજતો હોય જે,  ચહાય કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચહાય કોઈ ગમે તેવું અપમાન કરો, ચહાય કોઈ હાથીએ બેસારો, ચહાય કોઈ નાક-કાન કાપીને ગધેડે બેસારો, તેમાં મારે સમભાવ છે તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિષે તુલ્ય્ભાવ રહે છે તથા સુવર્ણ નો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે, એવી જાતના જ્ઞાન-ભક્તિ વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હ્રદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે, અને એવી સામર્થી યુક્ત થકો  પણ અન્ય જીવનાં માન-અપમાનને    સહન  કરે છે એ પણ મોટી સામર્થી છે, કાં જે સમર્થ થકા જરણા કરવી તે કોઇથી થાય નહિ; એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવો છે જે પોતાના નેત્રમાં ભગવાન જોનારા છે તે બ્રહ્માંડ માં જેટલાં જીવ-પ્રાણી છે તેના નેત્રને પ્રકાશે છે, અને પોતાના પગમાં ચાલનારા જે ભગવાન તે બ્રહ્માંડ માં સર્વે જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષે છે, એમ એ સંતની ચૌદે ઇન્દ્રિયો દ્વારે કરીને બ્રહ્માંડ માં સર્વે જીવોની ઇન્દ્રિયોને સચેતન કરે છે, માટે એ સંત તો સર્વે જગતના આધાર રૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશે મોટયપ છે, ને એવી રીતના ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખ્યું કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિવરાવે છે ને મનમાં જાણે જે, હું મોટો થયો છું પણ એ મોટો નથી, અથવા સિધ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે એવા જે જગતમાં જીવ છે, તે ભગવાનના ભક્ત નથી; એ  તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. ને એવાની જે મોટયપ છે તે સંસારના માર્ગમાં છે જેમ સંસાર માં જેને ઘોડું ચઢવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો; અને એક ઘોડું જેને હોય તેથી જેને પાંચ ઘોડાં હોય તે મોટો એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ  પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય જે આ સ્ત્રી તો અતિશે રૂપવાન છે, ને આ વસ્ત્ર તો અતિશે સારું છે, અને આ મેડી તો ઘણી સારી છે, અને આ તુબડી તો અતિશે સારી છે, ને આ પાત્ર તો અતિશે સારું છે, એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા  છે. ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થાશે કે નહિ થાય? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગ માં હોય તેનું ય થાય છે, પણ મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દહાડે આવતી નથી, તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી, કાં જે એ પાત્ર થયો નથી. એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ || ૨૭ ||

ટિપ્પણીઓ નથી: