Pages

બુધવાર, 25 મે, 2011

ભગવાન તો બધાય એક જ છે આ વાત સાચી કે ખોટી?


ભગવાન તો બધાય એક જ છે આ વાત સાચી કે ખોટી?
ઊત્તર : આ વાત ખોટી છે. રામ, કૃષ્ણ કે સ્વામિનારાયણ બધાય ભગવાન એક નથી. બધાંય જુદા જુદા છે. જેમ કે, સામાન્ય દ્રષ્ટાંતો જોઇએ તો,
૧લા ધોરણમાં ભણતો હોય તેને વિદ્યાર્થી કહેવાય. પમા ધોરણમાં ભણતો હોય તેને પણ વિદ્યાર્થી કહેવાય. ૧૦મા ધોરણમાં ભણતો હોય તેને પણ વિદ્યાર્થી જ કહેવાય અને કોલેજમાં ભણતો હોય તેને ય વિદ્યાર્થી જ કહેવાય. આમ ભણતા હોય તે દરેકને વિદ્યાર્થી કહેવાય. પણ બધા વિદ્યાર્થી સરખા કે એક નથી. બધા જુદા જુદા છે. દરેકની પાત્રતા જુદી જુદી છે. તો શું વિદ્યાર્થી ન કહેવાય? વિદ્યાર્થી કહેવાય, પણ બધા વિદ્યાર્થી જુદા જુદા છે.
પ૦ પૈસા, ૧ રૂપિયો, ૨ રૂપિયાની, પ રૂપિયા, ૫૦ રૂપિયાની નોટ, ૧૦૦ રૂપિયાની નોટ કે પ૦૦ રૂપિયાની નોટ. આ સર્વેને નાણું કહેવાય. પણ આ બધું નાણું સરખું નથી. જુદું જુદું છે તેમ.
ભગવાન એટલે ભગ+વાન. ભગ એટલે ઐશ્વર્ય અને વાન એટલે વાળા. આ સંસ્કૃત શબ્દ છે. જેનામાં ઐશ્વર્ય હોય તે બધાને  ભગવાન કહેવાય. પણ   બધા ભગવાન સરખા નથી.
જો બધા ભગવાન સરખા એટલે એક જ હોય.. એટલે કે રામ એ જ કૃષ્ણ અને એ જ સ્વામિનારાયણ ભગવાન એમ હોય તો, ભગવાન એક જ હોય, તેથી તેમનું ધામ પણ એક જ હોય. જે તે અવતાર કાર્ય પતાવી, પોતાના એના એ એક જ ધામમાં પાછા પધારે. આમ બધાનું ધામ એક જ હોવું જોઇએ. પણ એવું નથી. શિવનું ધામ કૈલાસ છે, રામચંદ્રજીનું ધામ વૈકુંઠ છે, કૃષ્ણનું ધામ ગોલોક (ગવલોક) છે, નરનારાયણનું ધામ બદ્રિકાશ્રમ છે, વાસુદેવબ્રહ્મનું ધામ બ્રહ્મપુર છે, જયારે સ્વામિનારાયણ ભગવાનનું ધામ અક્ષરધામ છે. આ બધાના ધામ પણ જુદા જુદા છે. આથી ભગવાન પણ બધા જુદા જુદા છે.
જેમ ભારતના ર૬ રાજયોના મંત્રીને મુખ્યમંત્રી કહેવાય. પણ બધા મુખ્યમંત્રી એક નથી. બધા જુદા જુદા છે. આ તમામ મુખ્યમંત્રીના એક ઉપરી છે. જેની આજ્ઞામાં સર્વે મુખ્યમંત્રી રહે છે. તેને વડાપ્રધાન કહેવાય. આ વડાપ્રધાનની સત્તાથી મુખ્યમંત્રી કાર્ય કરે છે.
આવી રીતે આ તમામ અવતારોના એક ઉપરી છે અને તેની આપેલી સત્તાથી, ઐશ્વર્યથી સર્વે અવતારો કાર્ય કરે છે. તે તમામ અવતારોના અવતારી, ઉપરી એટલે આપણા સ્વામિનારાયણ ભગવાન.
શ્રીજીમહારાજે વચનામૃતમાં અનેક જગ્યાએ આ વાત સમજાવી છે કે બધા ભગવાન જુદા જુદા છે.
જેમ કે, પંચાળાનું ૧લું : આ વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે પશુ કરતા મનુષ્યમાં સુખ અધિક છે, તેથી રાજાનું સુખ, તેથી દેવતાનું સુખ, તેથી   ઇન્દ્રનું સુખ, તેથી કૈલાસનું સુખ, તેથી વૈકુંઠનું સુખ અધિક છે, તેથી ગોલોકનું સુખ અધિક છે, તેથી અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. આમ અહીં ધામ જુદા જુદા છે તેના દરજજા આપ્યા. આમ, ધામ અલગ અલગ છે તો તે ધામોના ધામી પણ જુદા જુદા જ હોય ને... ગઢડા પ્રથમના ૪૧મા વચનામૃતમાં પણ સર્વે અવતારો જુદા જુદા છે તે બહુ સરસ વાત કરી છે. અનેક વચનામૃતો દ્વારા આ સમજી શકાય છે કે, બધા ભગવાન જુદા જુદા છે.

ટિપ્પણીઓ નથી: