Pages

મંગળવાર, 24 મે, 2011

ગઢડા છેલ્લા પ્રકરણનું ૩૯ મું વચનામૃત

ગઢડા છેલ્લા પ્રકરણનું ૩૯ મું વચનામૃત: અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે, ને ભગવાનને ભજી ભજીને ઘણાક ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે,  તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી, ને જો ભગવાન જેવા થાય તો તો ભગવાન ઘણાક થાય, ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની જ ન રહે. કેમ જે એક ભગવાન કહેશે જે હું જગતની ઉત્પત્તિ કરીશ ને બીજો કહેશે હું જગતનો પ્રલય કરીશ, અને વળી એક ભગવાન કહેશે હું વરસાદ કરીશ અને બીજો કહેશે હું પશુના ધર્મ માણસ માં કરીશ, એવી રીતે સ્થિતિ ન રહે. અને આ જુઓને જગતમાં કેવી રીતે બરાબર અદલ પ્રમાણે સર્વે ક્રિયાની પ્રવૃત્તિ થાય છે, પણ તલભાર પણ ફેર પડતો નથી, માટે સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા ને સર્વેના સ્વામી આ એક જ ભગવાન છે (સ્વામિનારાયણ ભગવાન) તથા ભગવાન સંગાથે બીજાને દાવ બંધાય એમ પણ જણાતું નથી, માટે ભગવાન તે એક જ છે પણ બીજો આ જેવો થતો નથી, અને આ સર્વે વાત કરી તે થોડીક છે પણ એમાં સર્વે વાત આવી ગઈ. અને આ વાત નું જે રહસ્ય છે તે જે ડાહ્યો હોય તેને સમજાય પણ બીજાને સંજય નહિ, અને આટલી વાત સમજીને જેણે દૃઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઇ અને  કંઈ  કરવું બાકી ન રહ્યું. અને આવી રીતે જે અમે વાત કરી તેને સાંભળીને તે વાતની જે ભગવાનના ભક્તને દૃઢતા હોય તેનો સંગ રાખવો  તો એને આ વાર્તાની દિવસે દિવસે દૃઢતા   થાતી જાય.

અહીં શ્રીજી મહારાજે સ્પષ્ટ વાત કરી છે કે અમારા જેવા તો અમે એક જ છીએ પરંતુ અમારા જેવો બીજો કોઈ ભગવાન નથી. ટૂંકમાં સ્વામિનારાયણ ભગવાન એ એક જ સનાતન ભગવાન છે અને બીજા ભગવાન એ આધુનિક ભગવાન છે (અમદાવાદનું ૭ મું વચનામૃત)  સ્વામિનારાયણ ભગવાન જ ભગવાન છે અને બીજા સર્વે ભગવાન તેમની સત્તાથી થયા છે અને રહ્યા છે. આ વાતની જો સમજ પડી જાય તો તેને સ્વામિનારાયણ ભગવાને ડાહ્યો કહ્યો છે.

મુકતો જો આ વાત સમજણ માં આવી જાય તો કામ થઇ  જાય. કહેવાનો મતલબ કે સ્વામિનારાયણ ભગવાન એ એક જ સનાતન ભગવાન છે અને આપણે સૌ તેમના આશ્રિત છીએ તો પછી આપણે બીજાનાં ગાણા ગાવાના બાકી રહે?  જવાબ છે ના તો પછી ચાલો આપણે સૌ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજી એ અને સૌને સમજાવીએ કે આત્યંતિક કલ્યાણ કરવું હોય તો સ્વામિનારાયણ ભગવાન ની આવી દ્રઢ નિષ્ઠા કેળવીએ અને જીવમાં ઉતારી દઈએ કે સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોઈ ભગવાન નથી અને એ સ્વામિનારાયણ ભગવાન મારા બાપ છે અને હું એમનો દીકરો છું. 
સૌને જય સ્વામિનારાયણ.

ટિપ્પણીઓ નથી: