Pages

બુધવાર, 25 મે, 2011

બાપાશ્રીની વાતો શું છે ? એનું મહત્વ.

બાપાશ્રીની વાતો શું છે ? એનું મહત્વ.
       ‘બાપાશ્રી’ શબ્દથી આજે સંપ્રદાયમાં લગભગ કોઇ અપરિચિત નહી હોય. કારણકે જેમ થોડું પણ વિજ્ઞાન ભણેલો અને ગુરૂત્‍વાકર્ષણના નિયમનો અભ્‍યાસી ન્‍યૂટનના નામને જાણતો જ હોય ભારત દેશનો એક સામાન્‍ય પરિચય મેળવનાર પણ ગાંધીજીનું નામ જાણતો જ હોય. એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવેલ કોઇ પણ મુમુક્ષુ સ્વામિનારાયણ ભગવાનના રહસ્‍યોને જ્ઞાનને, તેમની જેવા છે તેવા વાસ્‍તવિક અને નિર્ભેળ અર્થમાં સરળ કરી સંપ્રદાય સમક્ષ મુકનાર આવા કચ્‍છના અબજીબાપા કે જેમને આખો સંપ્રદાય ‘બાપાશ્રી’ના હુલામણા નામથી જાણે છે તેથી પરિચિત હોય જ અને ન જાણે ત્‍યાં સુધી તેના ધ્‍યેયપ્રાપ્‍ત‍િની શરૂઆત થઇ જ નથી એમ સ્પષ્‍ટપણે કહી શકાય. કારણકે તેમના પરિચય વિના શ્રીજીમહારાજ સુધી પહોંચવું, શ્રીજીના મૂળભૂત સિધ્‍ધાંતોને પામવું શક્ય જ નથી.
       ‘જ્યાં ન પહોંચે રવિ ત્‍યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે અનંતકવિ, ત્‍યાં પહોંચે અનુભવી’
       બાપાશ્રી, એવા જ મૂર્ત‍િના સંપૂર્ણ સુખના અનુભવી, શ્રીજીના સંકલ્‍પે જ આ બ્રહ્માંડમાં દર્શન-સુખને સમાગમ દેતા અજોડ ને અદ્વિતીય મુક્તપુરૂષ હતા અને એટલે જ એમના સમાગમ માટે અને રાજીપો મેળવી છતે દેહે મૂર્ત‍િ સુખે સુખીયા થવા સંપ્રદાયના હજારો સંતો-હરિભક્તો ગુજરાત-કાઠિયાવાડ અને કચ્‍છથી જેમ નદીઓ સમુદ્રને મળવા અને વિરામ પામવા તત્‍પર થાય એમ તત્‍પર થયા થકા બાપાશ્રી પાસે આવતા. પક્ષી ચણ ચણીને રાત્રે માળામાં વિરામ પામે છે તેમ બાપાશ્રી પાસે આવી છેલ્‍લા અત્‍યુત્તમ ને અનુપમેય સુખમાં વિરામ પામતા ને તૃપ્ત થયાનો અનુભવ કરતા. જેમાં અનંતને સુખીયા કરી શકે તેવા મહાસમર્થ સદ્ગુરૂ સંતો પણ હતા, સ્થ‍િતિવાળા ભક્તો પણ હતા અને સેંકડો સાધનિકો પણ હતા.તોયે બધાને પથ્‍ય પડે તેવી શૈલીમાં છતાં છેલ્‍લી જ વાત બાપાશ્રી કરતા.
સંવત ૧૯૬૨ના વૈશાખ સુદ ૧૫ની એ દિવ્ય રાત્રિ હતી. જીવનપ્રાણ બાપાશ્રીએ મંદિરમાં ગુજરાતથી આવેલા સંતો-ભક્તોને સમાગમે સુખીયા કર્યા. સભાની સમાપ્ત‍િ થઇ. પછી બાપાશ્રીએ પોતાની સાથે લાવેલા, અંગત અને મુખ્‍ય શિષ્‍ય સમા સદગુરૂ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીને પાસે બોલાવ્યા. આજે દયાળુ અઢળક ઢળ્‍યા હતા. આપણામાં સૌના હિતને હિતકારીએ વિચાર્યુ અને બાપાશ્રી એ આજ્ઞાવચન ઉચ્ચાર્યા. “સ્વામી, તમે પંદર પંદર વર્ષથી આ વાતો સાંભળો છો પણ લખતા કેમ નથી ? સ્વામી, પાછળની પેઢીનું શું ? લાખો રૂપિયા ખરચે આ વાતો નહિં મળે. અમારા મુખે સ્વયમ્ શ્રીજીમહારાજ પોતાનો મહિમા કહે છે, અનાદિમુક્તની સ્‍થ‍િતિ સમજાવે છે. માટે ‍સ્‍વામી, આ વાતો તમે જે સાંભળો છો એને તમે હવેથી લખો. આગળ ઉપર તે બહુ કામ આવશે ને આ વાતો વાંચી-સાંભળી-સમજી અતંત જીવો બિચારા આત્યાંતિક કલ્‍યાણના ભોગી બનશે.”
       સદ્ગુરૂ સ્વામી કહે “ભલે બાપા, આપની આજ્ઞા શિરો વંદ્ય કરું છું.”
       અને સંવત ૧૯૬૨ના વૈશાખ વદ ૧ (પડવો)ના રોજથી બાપાશ્રીએ પછી આ બ્રહ્માંડમાં લગભગ ૨૨ વર્ષ દર્શન આપ્‍યા ત્‍યાં સુધી સ્વામીએ લખ્‍યે જ રાખ્‍યું, લખ્‍યે જ રાખ્‍યુંને તેને છપાવી, બાપાશ્રીના તેની પર અનહદ આશીર્વાદ લઇ, યાવદચંદ્રદિવાકરૌ-સૂર્યચંદ્ર આ બ્રહ્માંડમાં રહે ત્‍યાં સુધીનું આજીવન જંગમતીર્થ ખડુ કરી દીધું ! જીવો પર ધણીની કેટલી અઢળક-અનહદ કૃપા !!! એ ગ્રંથ એટલે જ ‘બાપાશ્રીની વાતો
       મોટા સંતો તો કહેતા બાપાશ્રીની જે વાતો લખાઇ છે તેતો જોકે માત્ર એક દિવસની હોઇ શકે પણ કેટલું લખવું શું લખવું ? મહારાજના ને મુક્તના મહિમાને લખવા એવો ને એવડો કાગળ ક્યાંથી લાવવો ? લખવા માટે શબ્દો ક્યાંથી લાવવા ને જેના વડે લખાય તેવી કલમ ક્યાં શોધવી ? આ તો લખનારાય એવા જ સમર્થ હતા તેથી લખી શક્યા નહિં તો અલૌકિકને લૌકિકમાં કોણ કંડારી શકે ? બાપાશ્રી જ્યારે વાતો કરતા ત્‍યારે આઠ આઠ લહીયા સદ્ગુરૂઓ લખતા એવો તો અખંડ ધોધ વહેતો. મૂર્ત‍િમાંથી જ આવતી ને મૂર્ત‍િમાં જ જોડતી આ વાતો. સાંભળનાર દિવ્ય દિવ્ય થઇ જાય, શ્રીજી સ્‍વરૂપમાં ઓતપ્રોત ને દિવાનો થઇ જાય. એક મૂર્ત‍િ વિના બીજુ કાંઇ જ ન રહે. જેમ સમુદ્રના મધ્‍યમાં જનારને ચારેબાજુ જ્યાં જુવે ત્‍યાં જળ જળ ને જળ વર્તે તેમ આ અમૃત રસને ઝીલનારને એક મૂર્ત‍િ વિના બીજુ કંઇ ન રહે તેવો અપરોક્ષ અનુભવ બાપા કરાવતા.
       આમ, “બાપાશ્રીની વાતો, મૂર્ત‍િમાં રમાડનારી છે આ તો” આ વાતો રાગદ્વેષને ઇર્ષ્‍યાથી રહિત થઇ ગમે તે મુમુક્ષુ તટસ્‍થ ભાવે વાંચે તો તેને જરૂર સમજાય કે બાપાશ્રી કોણ હતા ને કેવા હતા અને એ સમજાય તો તેમની વાતો મહિમા સમજાવવો પડતો જ નથી.


ટિપ્પણીઓ નથી: